અમદાવાદમાં બનશે દેશનો સૌથી મોટો મોલ, દૂબઈના લૂલૂ ગ્રૂપે 519 કરોડમાં જમીન ખરીદી અને 31 કરોડ રૂપિયા જેટલી સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે.

  • Haresh Bhatiya
  • October 21, 2025
img-blog

અમદાવાદ: અમદાવાદના ચાંદખેડામાં લૂલૂ મોલ દ્વારા દેશનો સૌથી મોટો મોલ બનાવવા માટે 519 કરોડ રૂપિયામાં જમીન ખરીદવામાં આવી છે. પ્લોટની ખરીદી માટે લૂલૂ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 31 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવી છે.

લૂલૂ ગ્રૂપ દ્વારા કુલ પાંચ પ્લોટ ખરીદાયા

લૂલૂ ગ્રૂપ દ્વારા કુલ 66,168 ચોરસ મીટરની જમીન ખરીદવા માટે મ્યુનિ.પાસેથી પ્લોટ ખરીદવામાં આવ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ પાસેથી લૂલૂ ગ્રૂપ દ્વારા 381, 382, 383, 391 અને 396 એમ કુલ પાંચ પ્લોટ ખરીદવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની 76/B ટીપી સ્કીમ પર આવનારા દિવસોમાં લૂલૂ ગ્રૂપ દ્વારા માટાપાયે મોલ બનાવવાની યોજના શરૂ કરવામાં આવશે.

એક જ સોદામાંથી સૌથી વધુ સ્ટેમ્પ ડ્યુટીની આવક

મહત્વપૂર્ણ છે કે, વાઘબારસના દિવસે લૂલૂ ગ્રૂપ દ્વારા જમીનનો આ સોદો કરવામાં આવ્યો અને સ્ટેમ્પ ડ્યૂટીની ચૂકવણી સરકારને કરવામાં આવી હતી. સાબરમતી સબ-રજિસ્ટ્રારની ઓફિસના અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે આ અમદાવાદ શહેરમાં નોંધાયેલો સૌથી મોટો જમીનનો સોદો છે. જેમાં અત્યાર સુધીના એક જ સોદામાંથી સૌથી વધુ સ્ટેમ્પ ડ્યુટીની આવક પણ થઇ છે.

500 કરોડથી વધુનો સોદો

રાજ્યના મહેસૂલ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં જમીનના મોટા સોદા સામાન્ય રીતે 300 કરોડ રૂપિયાથી 400 કરોડ રૂપિયાની વચ્ચે રહેતા હતા. જો કે, આ પહેલી વાર છે જ્યારે 500 કરોડ રૂપિયાથી વધુનો સોદો થયો છે.


Propertyvale.in
Haresh Bhatiya